(એજન્સી) જમશેદપુર, તા.૯
પૂર્વ સિંહભૂમ જિલ્લાના બહારગોરા બ્લોકમાં સ્થિત જયપુરા ગામમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાયના સભ્યોએ આરોપ લગાવ્યો કે સ્થાનિક વાળંદોએ તેમને સેવાઓ આપવાનું બંધ કરી દીધું છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર અઠવાડિયાથી ગામની બધી છ વાળંદ દુકાનોએ દલિત ગ્રાહકોને સેવા આપવાનો ઇનકાર કર્યો છે. ગામના રહેવાસી મદદેવ બૈથા (૩૮)એ જણાવ્યું હતું કે, ‘પોલીસ દરમિયાનગીરી છતાં, તેઓ અમને સેવા આપી રહ્યા નથી’. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, જયપુરામાં ૫૪ ઘરોમાં ૩૪૭ની વસ્તી હતી. સ્થાનિક લોકોનો દાવો છે કે છેલ્લા ૧૫ વર્ષમાં વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. બૈથાએ જણાવ્યું કે, ‘ગામમાં લગભગ ૩૦ દલિત પરિવારો છે’. અન્ય એક રહેવાસીએ આરોપ લગાવ્યો કે વાળંદોએ દલિત ગ્રાહકોને રોકવા માટે મોંઘા ભાવ વસૂલવાનું શરૂ કર્યું છે. રખાહારી મુખીએ (૫૦) જણાવ્યું કે, ‘જ્યારે અમારા બાળકો વાળ કાપવા જાય છે, ત્યારે તેઓ ૩૦૦ રૂપિયા વસૂલ કરે છે. દાઢી કરવા માટે પણ તેઓ ૧૦૦ રૂપિયા માંગે છે’. સમુદાયના સભ્યોએ સૌપ્રથમ ૮ નવેમ્બરના રોજ બારસોલ થાણા પોલીસને આ મુદ્દાની જાણ કરી હતી અને ત્યારથી ઘણી વખત ફરિયાદ કરી છે. મુખીએ ઉમેર્યું કે, ‘પોલીસે વાળંદોને કાનૂની કાર્યવાહીની ધમકી આપી હતી, પરંતુ કોઈ ફેર પડ્યો નથી’. ગ્રામજનોએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે બધા વાળંદોને બોલાવ્યા હતા અને તેમને પાલન કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવા સૂચના આપી હતો. દલિત રહેવાસી સાગર કાલિંદીએ જણાવ્યું કે, ‘આજે (સોમવારે), ગામની બધી વાળંદની દુકાનો બંધ છે’. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અભિષેક કુમારે આ સામાજિક બહિષ્કારનો મામલો હોવાનો ઇન્કાર કર્યો. તેમણે કહ્યું કે, ‘તેઓ જે પૈસા વસૂલ કરી રહ્યા છે તેના પર મૂંઝવણ છે. કેટલાક લોકો માને છે કે ફી તેમને ટાળવા માટે જાણી જોઈને વધારવામાં આવી હતી’. બારસોલ પોલીસને રજૂઆત કરનાર મહાદલિત સમાજના નેતા વિમલ બૈઠાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સ્પષ્ટ રીતે સામાજિક બહિષ્કારનો કેસ છે. દલિત પ્રતિનિધિઓએ પોલીસ પર આ મુદ્દાને ઓછું મહત્વ આપવાનો આરોપ લગાવ્યો હતો.
દલિતોના વાળ કાપવાનો વાળંદોનો ઇન્કાર : જયપુરામાં દલિત સમુદાયનો વાળંદોએ બહિષ્કાર કર્યો હોવાનો આરોપ; પોલીસદરમિયાનગીરી છતાં વાળંદો ટસના મસ ના થયા
Gujarat Today
Leave A Reply